Wednesday, June 20, 2012

શું હમેશા સંતાન જ ખોટા હોય છે? છોરું જ કછોરું હોય છે?-(1)

આપને ત્યાં અનેક એવા કુટુંબ છે જે માં-બાપને જે નથી રાખતા તેને કઈ પરવા પણ નથી હોતી, સમાજ જે બોલે તે બોલે. માં-બાપને વૃધાશ્રમમાં પણ મોકલી આપે છે, કોઈ વાર માં-બાપ સક્ષમ હોય તો એકલા પણ રહે છે. પરંતુ આપને ત્યાં એવા ઘણા કુટુંબ છે જે સાથે રહે છે. દરેક સમયે દીકરા-વહુ  ખોટા હોય તેવું નથી, માં-બાપ પણ ઘણી વાર ખોટા હોય છે છતાં દીકરા-વહુ માં-બાપને  સમજી તેમની સાથે રહે છે. તે માં-બાપ પર ઉપકાર નથી કરતા પણ સમાજમાં અન્ય માટે જીવન જીવવાની કળા શીખવે છે. આવી  એક સ્ત્રીની  વાત..

મારા માતા-પિતા
એ  હમેશા મને માં-બાપની સેવા કરવા શીખવ્યું છે. દાદા-દાદી અને અમે લોકો સાથે જ રેહતા. કોઈ વાર પ્રસંગે કાકા-કાકીને ત્યાં દાદા-દાદી / દિવસ રોકવા જાય અને પણ ઈચ્છા હોય તો . દાદા તેના સમયમાં ઘણી મેહનત કરી અને થોડું ઘણી જે કમાણી હતી તે પાપાના એક ભાઈએ છીનવી લીધી. મારા માતા-પિતા કે અન્ય કાકા-કાકી કદી વિરોધ કર્યો.પાપાને લોકો ભાઈઓ, તેમાં પાપા બે ભાઈઓમાં વચેટના, અદાએ દાદાની મિલકત છીનવી લીધી અને કુટુંબ સાથે સબંધ પણ ન રાખ્યા. કાકાના ઘરમાં કાકીનું રાજ ચાલે, ક્યારે કોઈની ઘરે વ્યવહારમાં જવું-ન જવું, વ્યવહાર શું કરવો, વગેરે...અને કાકા પણ કાકી આગળ મૌનવ્રત ધારણ કરી લે. દાદી-દાદીને સાચવવા ન ગમે એટલે તેમને કોઈને કોઈ રીતે અપમાનિત કરે અને એટલે જ દાદા-દાદી અમારે ત્યાં જ રેહવાનું પસંદ કરે કારણ માં-પાપા કદી પણ ફરિયાદ ન કરતા, તેમની નાનામાં નાની જરૂરિયાત હોશે હોશે પૂરી કરતા. તેમને મનગમતું કરવાનું, વ્યવહારમાં પણ તેમને આગળ જ રાખે અને આ બધાને લીધે માં-બાપનો સમય અમને ઓછો મળતો પણ અમને પણ તે સાંભળી લેતા. રવિવાર હોય કે રજાના દિવસો, માં-પાપા દાદા-દાદીને સેવામાં જ વ્યસ્ત હોય માટે અમારે સાથે ફરવા જવાનું કે મુવી જોવા જવાનું ન બને. મમી ઘરે રહે તો પાપા લઇ જાય અને પાપા ઘરે રહે તો માં.દાદી જુનવાણી વિચારના, તેમજ સાસુપણુ પણ નિભાવતા,છતાં પણ માં એ હસતા ચહેરે બધું સ્વીકારી લેતા. અમને ઘણીવાર મિત્રને કે કુટુંબના અન્ય લોકોને જોઈ મને પણ ઈચ્છા થતી કે માં-બાપ બંને મારી સાથે કોઈવાર આવે તો? પણ તે શક્ય ન હતું. હું પણ દાદા-દાદીની સેવા કરતા,મને પણ તેમની સાથે ગમતું પણ કોઈવાર પ્રશ્ન થતો કે શું બધી જવાબદારી મારા માં-બાપની જ. દાદા ૭૦ની ઉમરે મૃત્યુ પામ્યા ત્યારે આપના હિંદુ રીત રીવાજ પ્રમાણે ક્રિયામાં મોટાભાઈ કે નાનાભાઈના હાથે ક્રિયા થાય, અદાને તો સબંધ ન હતા એટલે બધી ક્રિયા કાકાએ કરી.મને સવાલ થતો કે સેવા માં-બાપે કરી અને ક્રિયામાં કાકા?મને કાકા સાથે વિરોધ ન હતો પણ રીતી રીવાજો, નિયમોનો વિરોધ હતો. એકવાર સામાન્ય તાવમાંથી મને ઝેરી તાવ થઇ ગયો, બે દિવસ દવાખાનામાં રેહવું પડ્યું તોપણ કાકા-કાકી દાદીને ૧૦ દિવસ સાચવી ન શક્યા, બે દિવસમાં અમારે ત્યાં મૂકી ગયા. માં મારી અને દાદીની સેવામાં ખોવાઈ ગઈ હતી કે તેને પોતાનો ચહેરો જોવાનો પણ સમય ન રેહતો. આમ છતાં પણ માં-બાપે કદી કોઈને કહી કહ્યું ન હતું કે શું અમારા એકની જ જવાબદારી છે? મને ફરિયાદ થતી પણ પછી વિચારતી કે તેમના માટે પણ તે શું કરી શકે છે?માં-બાપને પણ પોતાને ક્યારેક એકલા સમય વિતાવવાની, હરવા-ફરવાની, પોતાના મોજ-શોખ પુરા કરવા માટે ક્યાં સમય રહે છે અને હું મનોમન મારી ફરિયાદ પછી લઇ લેતી. મારા પણ લગ્ન થઇ ગયા ત્યાં સુધી બધું એમ જ ચાલતું. માં-બાપને મારા માટે ઘણું કરવું હતું પણ મારા માટે સમય જ ન રેહતો.

દીકરી કરિયાવરમાં નાની મોટી અનેક વસ્તુ તો લઇ જ જાય છે પણ સાથે માં-બાપના સંસ્કાર તો આવે જ છે. મારા જેઠને સારી નોકરી મળતા તેઓ બહારગામ રેહવા જતા રહ્યા, સસરા તો હતા નહિ અને સાસુએ બહારગામ જવાની ના પાડી દીધી. કહ્યું વર્ષોથી હું અહી રહું છૂ, મને બીજે ક્યાય ન ફાવે તેમજ  જેઠાણીની ઈચ્છા પણ ન હતી કારણ સાસુને  ઉમરને લીધે શારીરિક થોડી ઘણી તકલીફ રેહતી.ઘરની જવાબદારી અમારા પર આવી. અમે બને નોકરી કરતા હતા, લગ્નને ૩ મહિના જ થયા હતા. સવારે ઘરકામને-રસોઈ વગેરે કરી નોકરી કરવા જતી તેજમ કુટુંબના બધા જ વ્યવહારમાં હાજરી આપતી. તો પણ સમાજ બોલવા લાગેલો કે વૃદ્ધ સાસુને ઘરમાં એકલા રાખી નોકરી કરવા જાય છે. સમાજને કેહવાનું મન થતું કે નોકરી કરવા જ જાવ છુ ને! કઈ ફરવા તો નથી જતી? સારી નોકરી હતી, મારા પણ કઇક કરવાના ઉદેશ હતા તો નોકરી શા માટે છોડું?સાસુ પણ બોલે રાખે એકલા એકલા તો ગમે જ નહિ, પણ શું કરવું? વહુ પણ નોકરી કરે છે ને! અને આ રીતે એકદિવસ નોકરી છોડવી જ પડી. જેઠ-જેઠાણી તો વર્ષે એકાદવાર અહી આવે અને બે દિવસમાં ચાલ્યા જાય, બે દિવસ જેઠાણી સાસુની એટલી કાળજી રાખે જાણે બધી ચિંતા તેમને જ હોય, બે દિવસ આવે પણ સાસુ ૬ મહિના તેના જ ગીત ગાય. અમારે પણ ૧ બાળક છે, તેને ભણાવવાનું, મોટા કરવાનું અને સાસુ આ બધી જવાબદારી નિભાવી.  કોઈ પૂછે કે સાસુ તમારી સાથે છે તો કેહતી કે ના અમે એની સાથે છીએ, માં-બાપે આ જ શીખવ્યું છે. જે મારી સાથે થતું એ જ હવે મારા સંતાન સાથે થાય છે, તેને પુરતો સમય આપી નથી શકાતો  કારણ સાસુ બીમાર છે, તે રૂઢીચુસ્ત છે એટલે ઘરમાં રસોઇવાળી, કામવાળી રાખી ન શકાય. સમાજમાં કે ઘરમાં કોઈવાર સાસુની ફરિયાદ કરી નથી અને એટલે જ પતિનો સહકાર મળે રાખે છે. પરંતુ વિચાર આવે છે કે જે લોકો માં-બાપને નથી રાખતા,ઘરડાઘરમાં મૂકી આવે છે ત્યારે સમાજ બોલવામાં પાછુ વાળીને નથી જોતા. બોલતા સાંભળ્યા છે કે આજના યુગમાં દીકરા વહુને પોતાની રીતે રેહવું ગમે છે, કોઈની જવાબદારી લેવી ન ગમે અને એટલે જ ઘરડાઘરની સંખ્યા વધતી જાય છે. પરંતુ એવા કેટલાય દીકરા વહુ છે જે માં-બાપ માટે પોતાના સંતાનને યોગ્ય ન્યાય નથી આપી શકતા. પણ શું સમાજે કદી તેમની કદર કરી છે? મારા માં-બાપ પાસેથી જે સમય મને નથી મળ્યો તે સમય મારા સંતાનને પણ મારી પાસેથી નથી મળતો. અને મારા સંતાન પણ મારી જેમ તેની ફરિયાદ પાછી લઇ લે છે પણ આ બધું તેમને જ લાગુ પડે છે જે સમજે છે. મારા માતા-પિતા મને થતો અન્યાય સમજી શકતા છતાં મને મારા લગ્નબાદ મારી જવાબદારીમાંથી દુર રેહવાનું કે ભાગવાનું શિખવેલ નથી.મને પણ અન્ય લોકો જે એકલા રહે છે તેમની જેમ ઘણીવાર ઈચ્છા થાય કે આજે રસોઈ નથી બનાવવી, આજે પતિદેવ સાથે સમય વિતાવવો છે પરંતુ તે  શક્ય બનતું નથી. અમારા જેવા અનેક  કુટુંબ છે જે વડીલ માટે પોતાની જાત તેમજ પોતાના બાળકો માટે એડજસ્ટ કરે છે, ઉપકાર નથી કરતા, પોતાની ફરજ જ નિભાવે છે પણ સમાજ જે રાખે છે તેને પણ ગણકારતા નથી અને ટીકા શોધે જ રાખે છે કે તેમને આ ન કર્યું. 

ઘરના વડીલે પણ થોડું સમય સંજોગો અનુસાર પોતાનામાં ફેરફાર કરવો જોઈએ. મારી મિત્ર કે જેના સાસુ-સસરા સાથે જ રહે છે, તેના ઘરમાં તેના સાસુ સસરા કહે તેમજ થાય. દીકરાની આવક સારી છે, નોકરીમાં ઉંચો હોદો માન-સન્માન છે. પણ ઘરમાં દીકરાની ઈચ્છા મુજબ કંઈ ના થાય, ઘર જુનવાણી છે, દીકરો ફેરફાર કરવા ઈચ્છે છે,પૈસા આપે છે તો પણ વર્ષો પછી ઘરમાં ફેરફાર કરવાની હા પાડે છે અને તે ફેરફાર પણ માતા-પિતાની ઈચ્છા મુજબ જ થાય. દીકરો-વહુ કહે કે જમાના પ્રમાણે કે નવી ફેશન મુજબ આ રીતે કરાવાય તો પણ તે તેના રીત રીવાજ પ્રમાણે જ પોતાનું ધાર્યું કરે. ત્યારે સંતાનની લાગણીને થોડી ઘણી ઠેસ પહોંચે છે તે ધ્યાન રાખવું જોઈએ, પોતાનું જીદીપનું દુર કરવું જોઈએ. સંતાનને સાથે જ રહેવું છે પણ જો વડીલ તેમના રીત-રીવાજ/વિચારોમાં થોડા ફેરફાર નહિ સ્વીકારે ત્યારે સંયુક્ત કુટુંબ પ્રથા નાબુદ થવા લાગે છે અને દીકરા વહુ જ ખરાબ ગણાય છે પણ દરેક સમયે તે સાચું જ હોય તે જરૂરી નથી. ઘરમાં ૩૫-૪૦ વર્ષના સંતાનો માત્ર વડીલની હા અને ના માં સાથ આપતા રહે તેવી અપેક્ષા રાખવી પણ હિતાવહ નથી. ઘરમાં ઈચ્છે છે કે વહુ પણ કમાય એટલે તે ડોક્ટર હોય, સી. એ  કે નોકરી કરતી હોય તેમ છતાં અપેક્ષા રાખવામાં આવતી હોય છે કે વહુ આજે આ જ રસોઈ બનાવે (કોઈવાર ઓફીસમાં વધારે કામ હોય-થાકી હોય), કપડા-વાસણ જાતે જ કરે, તે કુટુંબના પ્રસંગ માટે ઓફિસમાં વારે વારે રજા રાખે તે શક્ય નથી અને વહુને કીધે રાખવું કે તમારે તો વ્યવહારમાં રેહવું જ નથી વગેરે. તો ઘણીવાર અનેક પ્રશ્ન સ્થાપિત થાય છે.તેમના પણ સંતાનો હોય તેમને તેમની ઈચ્છા જાણવાની, તેને અમલમાં મુકવા દેવાની તૈયારી રાખવી જોઈએ અને તો જ સંયુક્ત કુટુંબ પ્રથા આગળ જોવા મળશે અન્યથા વીભકતીકરણ વધતું જ જવાનું. એક કુટુંબમાં દીકરાએ પિતાની સારવાર માટે લાખો રૂપિયા પોતાની મર્યાદિત આવક માંથી વાપર્યા, અને થોડું ઘણું દેણું પણ કરેલ, પરંતુ 1 વર્ષની સેવા બાદ પિતા મૃત્યુ પામ્યા. પુત્રને કોલેજની ફી પણ ત્યારે જ ભરવાની હતી અને તેનો ખર્ચ પણ ઘણો વધારે હતો. એવા સમયે તે લોકો વિચારતા કે આપને ત્યાં જે જમણની પરપરા છે તે ન કરી તો ઘણી બચત થાય અને તે રૂપિયા પુત્રના અભ્યાસમાં કામ લાગે ત્યારે અન્ય કુટુંબી કેહવા લાગ્યા કે જમણ તો કરવો જ જોઈએને? વિધિ તો કરવી જ પડે ને? અરે!! જીવતા પિતાની સેવા કરવામાં કઈ કસર છોડી ન હતી પરંતુ હવે મારા પુત્રના અભ્યાસ માટે ખર્ચ ન કરું તો શું તકલીફ છે?આમ, સમાજને સંતોષ થતો નથી એટલે વ્યવહારુ બની રેહવું જોઈએ નહિ કે સમાજના ડરથી. 

મારા જેવા ઘણા હશે જે સમાજની પરવા કરતુ નથી, સારું બોલે કે ખરાબ બોલે. મને સંતોષ થાય તે જ કરવામાં માનું છું એટલે જ સમાજની ચિંતા કર્યા વગર દિલથી જે સાચું લાગે તે કરવું જોઈએ,કારણ સૌ કોઈના મો  આપને બંધ નથી કરી શકતા. ગાંધીજી એ દેશને આઝાદી અપાવી તો પણ તેમનું ખરાબ બોલવાવાળા બોલવાના જ છે.

No comments:

Post a Comment